હૃદયરોગના દર્દીઓ માટે કસરત અને સાદો આહાર લાભદાયી છે

Print
દરરોજ ૩૦ મિનિટ કસરત કરવાની સલાહ ઃ ખાનપાનની કુટેવો સુધારવામાં આવે તો દવાઓનો ખર્ચ પણ ઘટી શકે છે
હૃદયરોગના દર્દીઓ માટે કસરત અને સાદો આહાર લાભદાયી છે
(પીટીઆઇ) સ્ટોકહોમ, તા.૬
હૃદય રોગની બિમારીના પ્રારંભિક તબક્કામાં નિયમિત પણે હળવી કસરત તથા ડાયેટીંગ કરવાથી આરોગ્યમાં ઝડપી સુધાર થતો હોવાનું તાજા સંશોધનમાં પુરવાર થયું છે. સંશોધકોના મતે હૃદય રોગની સારવાર માટે મોંઘી દવાઓ લેવા કરતા દરરોજ નિયમિત ૩૦ મીનિટની કસરત અને ખાનપાનની કૂટેવમાં સુધાર વધુ ફાયદાકારક છે.

સ્વીડનના વિજ્ઞાાનીઓએ કરેલા અભ્યાસના તારણો પ્રમાણે શારીરિક ગતિવિધિમાં વધારો કરવાથી તથા પૌષ્ટિક અને આરોગ્યવર્ધક ખોરાકનું પ્રમાણ વધારવાથી મેદસ્વીતામાં ઘટાડો થાય છે તથા હૃદય રોગની બિમારીનું જોખમ પણ ટાળી શકાય છે, એટલું જ નહિ ડાયાબિટિસ હોય તો પણ કસરત અને ડાયટીંગ ઘણો ફાયદો કરે છે.

સંશોધકોએ હૃદય રોગના વિવિધ તબક્કામાંથી પસાર થઈ રહેલા ૧૫૧ પુરુષો અને સ્ત્રીઓ પર સતત ત્રણ વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો, તથા તેમને સમયાંતરે કસરત અને ડાયટીંગ કરાવવામાં આવ્યું હતું. ત્રણ વર્ષના સમયગાળા બાદ જે દર્દીઓએ નિયમિતપણે કસરત અને ડાયટીંગ કર્યું હતું તેમના આરોગ્યમાં નોંધપાત્ર સુધાર નોંધાયો હતો એટલું જ નહિ દવાઓ પાછળ તેઓ ૩૮૪ ડૉલરની બચત કરી શક્યા હતા.અભ્યાસમાં ભાગ લેનાર દર્દીઓને અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ નિયમિતપણે કસરત કરાવવામાં આવતી હતી, તથા તેમને ડાયટીંગ કરાવવામાં આવ્યું હતું. શરૃઆતના ત્રણ મહિના બાદ તેમને દરરોજ ઓછામાં ઓછી ૩૦ મીનિટ કસરત કરવાનું કહેવાયું હતું. ઓસ્ટ્રેલિયન સંશોધકોએ તૈયાર ભોજનમાં ત્રણ ગ્રામથી વધુ તથા સેન્ડવીચ સહિતની ફૂડ આઇટમોમાં ૦.૬ ગ્રામથી વધારે મીઠું વાપરવા પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે, તેમના મતે કંપનીઓને નિર્ધારીત મર્યાદામાં જ મીઠું વાપરવાની ફરજ પાડીને હૃદય રોગને કારણે થતા મૃત્યુના પ્રમાણમાં ૧૮ ટકાનો ઘટાડો કરી શકાય છે.

ઉલ્લેખનીય છે કે માત્ર બ્રિટનમાં જ હાર્ટ એટેકના કારણે વર્ષે ૨,૩૦,૦૦૦ લોકોના મોત નિપજે છે. દુનિયાભરના વિકસીત અને વિકાસશીલ દેશોમાં હૃદયરોગની બિમારીઓને કારણે સૌથી વધારે મોત થતા હોય છે, આ પ્રકારના રોગ માટે ખાનપાનની શૈલી, તનાવ અને દોડધામભર્યું જીવન મુખ્ય કારણો છે. સ્વીડનના સંશોધકોએ જણાવ્યું હતું કે નિયમિત કસરતની આરોગ્ય પર હકારાત્મક અસર થતી હોવાનું અભ્યાસમાં પુરવાર થયું હતુ. અભ્યાસના તારણો મુજબ સમયાંતરે કસરત કરતા રહેવાથી જીવનની ગુણવત્તામાં સુધાર થાય છે અને તે ઓછી ખર્ચાળ પણ છે.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:Gujaratsamachar