
વધતી જતી વસ્તીને કારણે મોટા મોટા શહેરોમાં ખડકાયે જતા ગંદકીના ઢગોએ રોગોનું સામ્રાજ્ય ફેલાવી દીધું છે કારખાનાઓના નગરમાં ઝુંપડપટ્ટીઓ અને સ્લમ વિસ્તારમાં રહેતા લોકોનું જીવન દુષ્કર થઈ પડયું છે. હવે ફરી એકવાર વાઇરસ ફીવર 'ડેન્ગ્યુ'એ ભારતમાં પોતાનો કાળપંજો ફેલાવી હાહાકાર મચાવવાનું શરુ કરી દીધુ છે ડેન્ગ્યુ ફીવરના કાળપંજાએ મોતનું તાંડવ શરુ કરી દીધું છે પાટનગર દિલ્હીમાં ડેન્ગ્યૂએ ફરી એકવાર ગંદા વસવાટોમાં હાહાકાર મચાવી દીધો છે. સેંકડો દર્દીઓ ડેન્ગ્યૂની લપેટમાં આવી ગયા છે. હોસ્પિટલોમાં ડેન્ગ્યૂના અગણિત દર્દીઓ ઉભરાઈ રહ્યા હતા ત્યાં સુધી કે દવાખાનામાં દર્દીઓ માટે જગ્યા ખૂટી પડી. આ રોગને કાબૂમાં લેવાના સાધનો અત્યારે ટાંચા પડયા નિષ્ણાતોની એવી આશંકા હતી કે દિલ્હીમાં જ ઓછામાં ઓછા ૧,૫૦,૦૦૦ જેટલા ડેન્ગ્યૂના દર્દીઓ હશે.
ગીચ વસ્તી, પાણી અને કચરાના નિકાલની અપૂરતી વ્યવસ્થાથી અસરગ્રસ્ત શહેરી જીવન અને બિનઅસરકારક મચ્છર નિયંત્રણ કાર્યક્રમના કારણે જીવલેણ ડેન્ગ્યૂ રોગ ફેલાતો જાય છે. રોગ પર ચાંપતી નજર રાખવાની વ્યવસ્થાનો અભાવ અને રોગચાળાને રોકવા માટેની સજાગતા નહિ હોવાથી ડેન્ગ્યૂનો ફેલાવો દિલ્હીમાં વધ્યો છે. પાટનગર દિલ્હી જેવા રાજકીય સત્તાધીશોના આંગણામાં જ જ્યાં આવી દશા હોય ત્યાં દેશના અન્ય ખૂણાની તો વાત જ શી કરવી ?
હવે આ ડેન્ગ્યૂથી દિલ્હીના સીમાડાઓ ઓળંગી મુંબઈ અને ગુજરાતમાં સુરત, અમદાવાદ સુધી વિસ્તરી રહ્યો છે. ભારતમાં ડેન્ગ્યૂનો ફેલાવો ખૂબ ઝડપથી વધી રહ્યો છે તેની સામે ઉપાયો અને બચાવકાર્ય ઔપચારિક અને ગોકળગાયની ગતિએ થઈ રહ્યું છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ (ICMR) ના માજી વડા ડો. રામાલિંગા સ્વામી માને છે કે પ્રજાના ઉપયોગ માટે સલામત રસી ઉપલબ્ધ થાય તે માટે હજી બીજા ઓછામાં ઓછા પાંચ વર્ષ નીકળી જશે !