
તાજેતરમાં એ.સી. નિલ્સન દ્વારા હાથ ધરવામાં આવેલો સર્વે એવો નિર્દેશ કરે છે કે દેશનાં અનેક પરિવારો રાત્રે મોડું ભોજન લેવાની ટેવથી પીડાતા હોય છે અને અજાણતા જ ડાયાબિટિસના રોગમાં સપડાય છે. મધ્ય રાત્રિ પહેલા ભોજન કરીને તરત સૂઈ જવાની ટેવને કારણે અને રાત્રિ ભોજન પહેલા નાસ્તો કરવાની ટેવને કારણે ડાયાબિટિસ થવાનું જોખમ અનેકગણું વધી જાય છે.
રાત્રિ ભોજન પહેલા નાસ્તાની ટેવ તબિયત માટે હાનિકારક
મુંબઈ અને કોલકાતામાં કરવામાં આવેલો સર્વે એવો નિર્દેશ કરે છે કે આ બંને શહેરોમાં અનુક્રમે ૩૦ ટકા અને ૪૭ ટકા પરિવારો રાત્રે ૯.૦૩થી રાત્રે ૧૧.૩૦ વચ્ચે રાત્રિ ભોજન કરે છે. જો કે ચેન્નાઈની માતાઓ અને બાળકોની ભોજન શૈલી તંદુરસ્ત છે તેમાંનાં ૫૦ ટકા લોકો રાત્રે ૯.૩૦ કલાક પહેલા ડીનર લઈ લે છે. રાત્રે વહેલું ભોજન કરવાની બાબતમાં ચેન્નાઈ પછી બેંગ્લોર અને દિલ્હીનો વારો આવે છે. પાંચ મેટ્રો સિટીમાં વસતા ૧૦૦૦ પરિવારોની રાત્રિ ભોજનની અને તેમની જીવનશૈલીનો સર્વે કરાયો હતો જેમાં મોડી રાત્રે સૂતા પહેલા ખાવાની ટેવ ડાયાબિટિસને નોતરે છે તેવું જણાઈ આવ્યું હતું.
રાત્રિ ભોજન પહેલા નાસ્તાની ટેવ પણ તબિયત માટે હાનિકારક છે. મોટાભાગનાં મેટ્રો સિટિમાં ૧૦માંથી ૬ બાળકો રાત્રિ ભોજન પહેલા સાંજે ૬થી રાત્રે ૮ની વચ્ચે નાસ્તો કરવાની ખરાબ ટેવ ધરાવે છે. કોલકાતા રાત્રિ ભોજન પહેલા નાસ્તો કરવાની આ કુટેવમાં પહેલા ક્રમે છે. તે પછી દિલ્હી અને ચેન્નાઈનો વારો આવે છે. નવાઈની વાત એ છે કે માતાપિતાઓ તેમનાં સંતાનોને આ કુટેવ છોડાવવાને બદલે આવી કુટેવનાં ભોગ બનતા રહ્યા છે.